Site icon Revoi.in

નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ

Social Share

14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના મામલામાં ભારત સરકારને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બુધવારે લંડન પોલીસે નીરવ મોદીની ધરપકડ કરી છે. લંડનની કોર્ટ દ્વારા બે દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા ધરપકડ વોરંટ સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તેને બુધવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સૂત્રો મુજબ, સીબીઆઈ અને ઈડી સતત લંડન પોલીસના સંપર્કમા છે. તેના સિવાય સીબીઆઈ અને ઈડીની ટીમ યુકે સરકાર અને લંડન ખાતેના ભારતીય હાઈકમિશનની સાથે પણ સંપર્કમાં છે. આ પહેલા લંડનની સડકો પર નીરવ મોદીના દેખાયા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે તેઓ નીરવ મોદીના પ્રત્યાર્પણને લઈને કાર્યવાહી કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ગત વર્ષ ઓગસ્ટમાં જ નીરવ મોદીના પ્રત્યાર્પણનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે તેને નીરવ મોદીના બ્રિટનમાં હોવાની વાતની ખબર હતી. જો આમ હોત નહીં, તો તેઓ આના સંદર્ભે અનુરોધ કરત નહીં. ઈડી અને સીબીઆઈ પાસેથી મળેલી જાણકારીના આધારે પ્રત્યાર્પણ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.