Site icon Revoi.in

બ્રિટન : 17 ઓક્ટોબર સુધી વધી ગઈ નીરવ મોદીની કસ્ટડી

Social Share

લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. કોર્ટે ગુરુવારે માત્ર પાંચ મિનિટની સુનાવણી દરમિયાન નીરવ મોદીની કસ્ટડીને 28 દિવસો માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં નીરવ મોદીની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેશી થઈ હતી. આ દરમિયાન ભારતીય હાઈકમિશનના અધિકારીઓ સાથે સીબીઆઈ અને ઈડીની ટીમ પણ હાજર રહી હતી.

લંડમાં હાઈકમિશનના અધિકારીઓ સાથે સીબીઆઈ અને ઈડીના અધિકારીઓની ટીમ પણ કોર્ટમાં હાજર હતી. જિલ્લા જજ ડેવિડ રોબિન્સને કહ્યુ કે અમે 11થી 15 મે, 2020 સુધી સુનાવણીની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

લગભગ 13500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં નીરવ મોદીની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. ગોટાળા સામે આવ્યા બાદ નીરવ મોદી ભારતમાંથી ફરાર થયો હતો. હાલ તે પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યો છે.

નીરવ મોદીને 19 માર્ચ – 2019ના રોજ લંડનની હોલબોર્ન વિસ્તારમાં મેટ્રો બેંકમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને 20 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે વંડ્સવર્થ જેલમાં છે. આ જેલ યુરોપમાં સૌથી મોટી જેલોમાંથી એક છે.

હાલમાં ઈન્ટરપોલે નીરવ મોદીના ભાઈ અને બેલ્જિયમના નાગરીક નેહલ દીપક મોદીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

ઈન્ટરપોલ પ્રમાણે, મની લોન્ડ્રિંગના આરોપમાં નેહલ મોદીની વિરુદ્ધ આરસીએન જાહેર કરવામાં આવી હતી. આ ઈડીના અનુરોધ પર જાહેર કરવામાં આવ્યો છે. જે નીરવ મોદી, તેની બહેન પૂર્વી મોદી અને ગીતાંજલિ જૂથના તેના મામા મેહુલ ચોક્સીની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલાની તપાસ કરી રહી છે. નીરવ મોદી હાલ લંડનની એક જેલમાં બંધ છે.