નીતિન ગડકરીએ નાગાલેન્ડમાં 29 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી ટી આર ઝેલિયાંગ અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોના રાજ્યમંત્રી અજય ટમ્ટા અને હર્ષ મલ્હોત્રાની હાજરીમાં નાગાલેન્ડના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સમીક્ષા કરી હતી. તેમણે X પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી, જેમાં લખાયું હતું કે, “દિલ્હીમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા જી, એચ ડી મલ્હોત્રા જી, નાગાલેન્ડના ડેપ્યુટી સીએમ ટી આર ઝેલિયાંગ જી અને દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે નાગાલેન્ડમાં 545 કિલોમીટરને આવરી લેતા 29 NH પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. મીટિંગ દરમિયાન, અમે સ્થિરતા અને ખર્ચ-કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપી નાગાલેન્ડમાં મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પહેલો મોટા પ્રમાણમાં કનેક્ટિવિટી વધારશે, સ્થાનિક આર્થિક વૃદ્ધિને આગળ વધારશે અને ભારતના સર્વાંગી વિકાસમાં પ્રદેશના ઊંડા એકીકરણમાં ફાળો આપશે.”
નીતિન ગડકરીએ X પરની બીજી પોસ્ટમાં લખ્યું છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને કારણે નાગાલેન્ડના હાઇવે વિકાસની જીવનરેખામાં પરિવર્તિત થઈ રહ્યા છે. દરેક નવા રસ્તા સાથે કનેક્ટિવિટી, સમૃદ્ધિ અને પ્રગતિનું ભવિષ્ય ખુલે છે.”કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં NHની સમીક્ષાના પહેલા દિવસે ચાર ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સમીક્ષા કરી.