Site icon Revoi.in

ગુજરાતના CM બનવાનું નીતિન પટેલનું સ્વપ્નું ફરીથી રહ્યું અધૂરૂં, નસીબે તેમને સાથ ન આપ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરાશે? તેની અટકળો ગઈકાલથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, સીઆર પાટિલ, પ્રફુલ્લ પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિતના નામો ચર્ચામાં હતા. દરમિયાન મુખ્યમંત્રી માટેના નામનું છેલ્લી ઘડીએ સસ્પેન્સ ખૂલ્યું હતું. અને જેના નામની ચર્ચા પણ ન હતી તેવા ઘાટલોડિયાના ઘારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ નીતિનભાઈ પટેલના મુખ્યમંત્રી બનવાના અરમાનો અધૂરા રહ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી વર્ષ 2016માં રાજીનામું આપ્યું ત્યારે આગામી મુખ્યમંત્રી તરીકે પણ નીતિન પટેલનું નામ ચર્ચાતું હતું. જો કે, તે વખતે પણ વિજય રૂપાણીને સીએમ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમજ નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રીપદના દાવેદારોના નામની ચર્ચાનો માહોલ બે દિવસથી ગરમાયો હતો  ત્યારે નીતિન પટેલનું નામ ટોપ પર ચર્ચાતું હતું. રાજકિય પંડિતો એવી પણ ચર્ચા કરતા હતા કે, મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને પસંદ કરીને બે નાયબ મુખ્યમંત્રીઓ ઓબીસી સમાજમાંથી પસંદ કરીને બેલેન્સ જાળવવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે અડધો ડઝન નામો ચાલતા હતા. છેલ્લી ઘડીએ આરસી ફળદું અને નીતિન પટેલમાંથી એકની મુખ્યમંત્રી તરીકે પસંદ કરાશે. એવી પણ ચર્ચાઓ ચાલી હતી. પણ ગઈ વખતની જેમ આ વખતે પણ નીતિન પટેલને નસીબે સાથ ન આપ્યો અને મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન અધૂરૂ રહ્યું. ભાજપમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચા તે સમયે પણ થઈ હતી. વિજય રૂપાણી મુખ્યમંત્રી બનશે એવું કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું  નહતું. કારણ કે તેમનું નામ ચર્ચામાં પણ હતું જ નહીં. જ્યારે વિજય રૂપાણીના નામની જાહેરાત થઈ ત્યારે નીતિન પટેલના સમર્થકોને પણ આંચકો લાગ્યો હતો. ત્યારબાદ નીતિન પટેલને મનાવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને તેમની નારાજગી દુર કરી હતી. પણ આ વખતે પણ નીતિન પટેલને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ કામ કરવું પડશે. હજુ મંત્રી મંડળનું વિસ્તરણ બાકી છે. ત્યારે અનેક અટકળો ચાલી રહી છે. કારણ કે મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજને બદલે અન્ય સમાજને આપવામાં આવે તેવી પણ ચર્ચા છે.