નીતિશ કુમાર વિશ્વાસનીયતા ગુમાવી ચુક્યાં છેઃ કોંગ્રેસ
નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ઉતાર-ચડાવ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, નીતીશ કુમારે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આ માટે તેમના નિર્ણયો અને તે પોતે જવાબદાર છે. જેડીયુ અને તેના નેતાઓના કરતુતોને કારણે વિપક્ષ માટે નવી આશા બની ગયેલું I.N.D.I.A. જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આખા દેશમાં એકલા હાથે ચૂંટણી લડવાનું વિચારવું જોઈએ, આટલી મોટી લડાઈ આ બેસાખીના સહારે ન લડી શકાય. બિહારની રાજનીતિમાં થઈ રહેલા ઉથલપાથલ ઉપર તમામની નજર મંડાયેલી છે.
અગાઉ સંભલના આંચોડા કંબોહ સ્થિત શ્રી કલ્કિ ધામના વડા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું હતું કે, રામ વિના ભારતની કલ્પના કરી શકાતી નથી. રામ ભારતનો આત્મા છે. વિરોધ પક્ષોએ ભાજપ સામે લડવું જોઈએ પણ રામ સામે લડવું જોઈએ નહીં. મહાત્મા ગાંધીએ રામ રાજ્યનું સપનું જોયું હતું. કોંગ્રેસ પાર્ટી જે મહાત્મા ગાંધીની પાર્ટી છે તે રામ વિરોધી ન હોઈ શકે. રામ વિના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી. ભારતની લોકશાહીની કલ્પના કરી શકાતી નથી. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને નકારી કાઢનાર તમામ વિરોધ પક્ષો અને તેમના નેતાઓએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કર્યું છે. આમંત્રણનો અસ્વીકાર કરીને ભારતની ઓળખ અને અસ્તિત્વને પડકારવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, વિરોધ પક્ષોએ ભાજપ સાથે લડવું જોઈએ પરંતુ રામ, સનાતન અને ભારત સાથે લડવું જોઈએ નહીં. કોઈ પૂજારી કે મુસ્લિમ પણ રામના આમંત્રણને નકારી શકે નહીં.