પટના: કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક્યૂ કહ્યુ છે. તેમણે પોતાની સોશયલ મીડિયા પોસ્ટને એડિટ કરી અને વડાપ્રધાનને ધન્યવાદ આપ્યા છે. મંગળવારે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરેલી સોશયલ મીડિયા પોસ્ટમાં આને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને સારો ગણાવ્યો હતો. આ પોસ્ટમાં પીએમ મોદીનો ઉલ્લેખ ન હતો.
પરંતુ ત્યાર બાદ નીતિશ કુમારે પોતાની પોસ્ટને એડિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. નીતિશ કુમારે મંગળવારે લગભગ સવા નવ વાગ્યે સોશયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી હતી. તેના દોઢ કલાક બાદ બિહારના મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં સંશોધન કરીને આખરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કતી લિટી લખી હતી. આ પહેલા ફેસબુક પર ભાજપના કાર્યકર્તાઓએ કોમેન્ટ્સ કરીને નીતિશ કુમારને પીએમ મોદીનો આભાર માનવાની સલાહ આપી હતી.
કર્પૂરી ઠાકુરને બિહારના અતિ પછાત સમાજના હિતૈષી ગણવામાં આવતા હતા. આ વર્ગને કેન્દ્રમાં રાખીને નીતિશ કુમાર પોતાની રાજનીતિ કરે છે. નીતિશ કુમાર કર્પૂરી ઠાકુરને પોતાના મેન્ટર પણ માને છે.