બિહારમાં નિતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, વિપક્ષનું વોકઆઉટ
પટણાઃ બિહારમાં સીએમ નિતીશ કુમારની સરકારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો હતો. વિશ્વાસ મતમાં આરજેડીના 3 ધારાસભ્યોએ પણ નીતિશ સરકારને સમર્થન આપ્યું હતું. વિધાનસભા ગૃહમાં એનડીએ સરકારને 129 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે આરજેડી સહિત વિપક્ષના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા હંગામો મચાવીને વોકઆઉટ કર્યું હતું. જેથી મતદાન સમયે તમામ નીતિશ સરકારના સમર્થનમાં પડ્યાં હતા. જ્યારે વિરોધમાં એક પણ વોટ પડ્યો ન હતો.
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહાર વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનો હતો. જેના પરિણામે છેલ્લા કેટલાક સમયથી પટનામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. રાજકીય વર્તુળોમાં પક્ષપલટાની અફવાઓ વચ્ચે, તમામ રાજકીય પક્ષો તેમના ધારાસભ્યોને એક રાખવા માટે તમામ સંભવિત પગલાં લીધા હતા. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDAને 128 ધારાસભ્યોનું સમર્થન હતું. NDAમાં ભારતીય જનતા પાર્ટી, JDU અને હિન્દુસ્તાની અવામ મોરચાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતી.
વિધાનસભા ગૃહમાં વિશ્વાસ મત પહેલા આરજેડીના નેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ કુમાર અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જ્યારે નીતિશ કુમાર અને તેમના મંત્રીઓએ પણ બિહારમાં વિકાસનો મત વ્યક્ત કરીને આરજેડી સહિતના વિપક્ષને આડે હાથ લીધી હતી. વિશ્વાસ મત પહેલા વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જો કે, આરજેડીના 3 ધારાસભ્યોએ નીતિશ કુમાર સરકારને સમર્થન આપ્યું હતું.
બહુમત પરીક્ષણ પહેલા નીતીશ કુમારે ગૃહમાં આરજેડી પર પ્રહાર કરતા કહ્યું કે અમે તેમને સન્માન આપ્યું અને અમને ખબર પડી કે આ લોકો કમાણી કરે છે. ભાજપે ક્યારેય આવું કર્યું નથી. આરજેડી ધારાસભ્યોને સાથે રાખ્યા અને તેઓ દરેકને લાખો રૂપિયા આપી રહ્યા છે. અમે દરેકની તપાસ કરાવીશું. કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવવાની સલાહ આપવામાં આવે છે.