નીતિશકુમાર પીએમ બનવા દાઉદ સાથે પણ હાથ મિલાવી શકે છેઃ ભાજપના સાંસદે કર્યો ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી તથા અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે. બિહારના સીએમ નીતિશ કુમારના આ પગલાથી ભાજપમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સાસારામના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે હાથ મિલાવી શકે છે.
નીતિશ કુમારને ખૂબ જ મહત્વાકાંક્ષી અને અવિશ્વસનીય વ્યક્તિ ગણાવીને ભાજપના સાંસદએ કહ્યું હતું કે, “નીતીશ કુમાર PM બનવા માટે દાઉદ ઈબ્રાહિમ સાથે હાથ મિલાવી શકે છે, પરંતુ નીતીશની વિડંબના એ છે કે તેઓ વડાપ્રધાન બની શકતા નથી.”
નીતીશ કુમારના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા બીજેપી નેતા તારકિશોર પ્રસાદે સીએમ નીતિશ કુમારને પૂછ્યું કે, તેઓ ભ્રષ્ટાચારના મામલામાં મૌન કેમ છે? બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું, તેમણે ભાજપ પર JD(U)ને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ મૌન રહ્યા જાણે લાલુ પ્રસાદ યાદવના પરિવાર ઉપરના તમામ આરોપ દુર થઈ ગયા છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારે બિહારના જનાદેશનું અપમાન કર્યું છે. 2017માં તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં આરજેડી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.
આ દરમિયાન ભાજપના નેતા સંજીવ ચૌરસરિયાએ કહ્યું છે કે, ‘નીતીશ કુમાર, તમે કોના ચહેરા પર વિધાનસભા ચૂંટણી જીતી? લોકો તમારા વચનો જાણે છે. લોકો તમને પાઠ ભણાવશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય. અમે જે પણ વિકાસની વાત કરતા હતા અને કામ કરતા હતા, અમે તે કરતા રહીશું.
(PHOTO-FILE)