ગાંધીનગરઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ (PG મેડિકલ)માં પ્રવેશ માટે 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત કરીને જુદી જુદી કોલેજોમાં પી.જી.ની બેઠકો વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં અંદાજે 25 બેઠકો વધારાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત કે, સરકારી કે મેડિકલ કોલેજમાં એકપણ બેઠક વધારવામાં આવી નથી, આગામી 15મી સુધીમાં સરકારી કોલેજમાં પણ પી.જી.ની બેઠકો વધે તેવી આશા વિદ્યાર્થી-પ્રોફેસરો રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ માટે એવું કારણ જાહેર કરવામાં આવ્યું હતુ કે, કેટલીક કોલેજમાં ઇન્સ્પેક્શન બાદ પી.જી.ની બેઠકો વધારવા માટે મંજૂરી આપવાની બાકી છે. હાલમાં એનએમસી દ્વારા સમગ્ર દેશમાં જુદા જુદા રાજયોમાં અંદાજે 600 પી.જી.બેઠકની મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અદાણી, સુમનદીપ અને પારુલ જેવી સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં પી.જી.બેઠકો વધારવામાં આવી છે. સુમનદીપમાં 12 પી.જી.બેઠકો હતી તે વધારીની સીધી 25 કરી દેવામાં આવી છે એટલે કે 13 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. આજ રીતે અન્ય સ્વનિર્ભર કોલેજોમાં પણ બેઠકો વધારવામાં આવી છે.
તબીબી વિદ્યાર્થીઓએ એવી માગણી કરી છે કે, સરકારી અને મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં પી.જી.ની બેઠકો વધારવાની જરૂર છે. કારણ કે આ કોલેજો સાથે મોટી મોટી હોસ્પિટલ જોડાયેલી છે અને તેમાં દર્દીઓની સંખ્યા પણ મોટી હોવાના કારણે પી.જી.ડોક્ટરોની જરૂરયાત ઊભી થાય તેમ છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજોમાં બેઠકો વધાવામાં આવી છે, તેની જેમ હવે સરકારી અને મેડિકલ કોલેજોમાં પણ આગામી 15મી સપ્ટેમ્બર સુધીમાં બેઠકો વધારવાની જાહેરાત થાય તેવી આશા વિદ્યાર્થીઓ-પ્રોફેસરો રાખી રહ્યા છે. કમિશન દ્વારા આગામી 15મી સુધીમાં બેઠકો વધારવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.