અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં વધારો કર્યો છે. તલાટીની ભરતીમાં અત્યાર સુધી ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકતા હતા હવે તલાટીની ભરતીમાં સ્નાતક યાને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જ અરજી કરી શકશે. એટલે કે તલાટીની પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી છે. હવે ધો. 12 પાસ વિદ્યાર્થી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે નહીં.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની છેલ્લે મે મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજ્યનાં 2697 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરકાર માટે માથાનો દુખાવો બની છે. પેપર ફૂટવાથી લઈને ડમી વિદ્યાર્થીઓના દૂષણને કારણે હવે ગુજરાત સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકાર દ્વારા સરકારી નોકરીની પરીક્ષા પેટર્ન જ બદલી લેવામાં આવનાર છે. ગૌણ સેવા પસંદગી મંડળની હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. સબ્જેક્ટ નોલેજ આધારિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની પેટર્ન બદલાતા પરીક્ષા ખર્ચ વધશે, પરંતું આ કારણે સમય અને અન્ય બાબતોનો બચાવ થશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. જેથી હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની પરીક્ષા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જ આપી શકશે.