Site icon Revoi.in

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો દ્વારા કેટલાક સ્થાનો પર નાની-નાની બાબતોને લઈ ડ્રાઇવર અને કંડકટર પર હુમલાના બનાવો વધી રહ્યા છે.  છેલ્લા દોઢ મહિનામાં એસ.ટી બસના ડ્રાઇવર અને કંડકટર પર હુમલાની 6 ઘટના બની હતી. જેમાં લીંબડી ડેપો પર મહિલા કંડકટર પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારની બસમાં, મહેસાણા દાહોદ રૂટ પરની બસમાં, મહીસાગરના લુણાવાડા પાસે પોલીસ દ્વારા હુમલો, વડોદરાના પાદરા-જંબુસર રૂટ પરની બસમાં, રાજકોટ-વાંકાનેરની બસમાં ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ગુજરાત એસટી કર્મચારી મહામંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસટી બસમાં ‘ક્યાંક ટિકિટ લેવા, તો ક્યાં જગ્યા રોકવા અથવા તો કેટલાક કિસ્સામાં અન્ય ચાલકો દ્વારા ડ્રાઈવરને માર મારવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. આ બધા કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તાત્કાલિક આ બાબતે કાર્યવાહી થવી જોઈએ નહીં તો આવનાર દિવસોમાં કર્મચારીઓના રોષનો ભોગ બનવા નિગમે તૈયાર રહેવું પડશે. એટલું જ નહીં પ્રવાસીઓની સાથે-સાથે નિગમના અધિકારીઓ પણ ડ્રાઈવર કંડકટરને કારણ વિના પરેશાન કરી રહ્યા છે. અત્યાર સુધી કોરોના વચ્ચે મર્યાદિત પ્રવાસીઓ સાથે સંચાલન કરવામાં આવે છે. તેમ છતાં કેટલાંક વિભાગના ડિવિઝન કન્ટ્રોલર ડ્રાઇવર અને કંડકટરને બસમાં પ્રવાસીઓ ને કેમ ના બેસાડ્યા, તે દલીલ સાથે હેરાન કરી રહ્યા છે અને સજા આપી રહ્યા છે. જે ખોટી બાબત છે.