Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી મકાનોનો 36 કરોડનો ટેક્સ બાકી છતાં મ્યુનિ. દ્વારા કોઈ પગલાં લેવાતા નથી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને બાકી ટેક્સ વસુલવાની ઝૂંબેશ આદરવા સરકારે થોડા સમય પહેલા જ સુચના આપી હતી. પરંતુ ગાંધીનગરમાં સચિવાલય સહિત અનેક સરકારી બિલ્ડિંગોનો કરોડા રૂપિયાનો ટેક્સ બાકી છે. જો વેપારીનો ટેક્સ બાકી હોય તો દુકાનોને સીલ મારી દેવામાં આવે છે. પણ સરકારી બિલ્ડિંગોનો ટેક્સ બાકી હોય તો ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને ઉઘરાણી કરવાની પણ હિંમત ચાલતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નાગરિકો પાસેથી ટેક્સ વસુલવાનો હોય ત્યારે તંત્ર ઘણી સતર્કતા દર્શાવતી હોય છે, પરંતુ સરકાર પાસેથી ટેક્સ વસુલવા બાબતે ગાંધીનગર મ્યુનિ.ની નીરસતા સામે આવી છે. તંત્ર દ્વારા નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે કડક પગલાં લેવામાં આવે છે, પરંતુ સરકારી ઈમારતો પાસેથી ટેક્સના પૈસા મેળવવા બાબતે તંત્ર ઘૂંટણિયે પડી ગયું છે. ગાંધીનગરમાં આવેલા સરકારી મકાનો અને સચિવાલય સહિતની ઈમારતો માટે વર્ષોથી મિલકતવેરો ચૂકવાયો નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સરકારી ઈમારતો પાસેથી 36 કરોડ રુપિયા પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી હોવા છતાં ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. નોંધનીય છે કે પાટનગર ગાંધીનગરમાં 20 હજારથી વધારે સરકારી મકાનો છે. આ સરકારી મકાનોમાંથી 13000 માટે મિલકત વેરો ભરવામાં નથી આવ્યો. વર્ષોના બાકી આ વેરાને કારણે તંત્રએ સરકારી ક્વાર્ટર્સ પાસેથી 15 કરોડ રુપિયા વસૂલવાના બાકી છે. આ ઉપરાંત જૂના સચિવાલય તરીકે ઓળખાતા જીવરાજ મહેતા ભવનમાં વિવિધ વિભાગોની કમિશનર કક્ષાની કચેરીઓ આવેલી છે. જૂના સચિવાલય સંકુલનો ચાર કરોડ રુપિયા વેરો હજી ભરાયો નથી. સરદાર ભવન તરીકે ઓળખાતા નવા સચિવાલયમાં સરકારના દરેક વિભાગની કચેરીઓ આવેલી છે. નવા સચિવાલય સંકુલનો 12 કરોડ ટેક્સ બાકી છે. આ સિવાય માર્ગ અને મકાન વિભાગ હેઠળની વિવિધ મિલકતોનો 3 કરોડ રુપિયા ટેક્સ બાકી છે. તેમજ રાજભવન, મંત્રી નિવાસના 40 યુનિટ તથા હેલિપેટ ડોમ દ્વારા 11 કરોડ જેટલો વેરો બાકી હતો. મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી તો નાણાં ભરવામાં આવ્યા પરંતુ હજુ 3.50 કરોડ ટેક્સ વસૂલવાનો બાકી છે. મહાત્મા મંદિરનો વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ 36 લાખ રુપિયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મહાત્મા મંદિર દ્વારા નિયમિત ધોરણે ટેક્સ ભરવામાં આવે છે. આ સિવાય સિવિલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા પણ નિયમિત ટેક્સ ભરવામાં આવે છે.