દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધ ન થઈ શકે. બંગાળમાં કાલી પૂજા, દિવાળી અને અન્ય તહેવારો ઉપર ફટાકડાને લઈને કોલકતા હાઈકોર્ટે લગાવેલા પ્રતિબંધના આદેશને રદ કર્યો હતો. તેમજ નોંધ્યું હતું કે, ફટાકડાનો દુરઉપયોગ અટકાવવા માટે મોનીટરીંગ તંત્ર વધારે મજબુત બનાવવું જોઈએ. કોરોના મહામારીમાં પ્રદુષણને રોકવા માટે બંગાળની હાઈકોર્ટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની ખંડપીઠે બંગાળ સરકારને ટકોર કરી હતી કે, સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રતિબંધિત ફટાકડા અને અન્ય સામગ્રી અન્ય રાજ્યમાંથી આવતી અટકાવવી દેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટેના આદેશોમાં ફટાકડાના નિયમન અને તેમાં હાનિકારક રસાયણોના પ્રયોગ ઉપર પ્રતિબંધ છે. તેનું મોનીટરિંગ અને આદેશનું પાલન દ્વારા યોગ્ય રીતે થવું જોઈએ, પૂર્ રીતે પ્રતિબંધ ફરમાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું હતું. સુપ્રીમ કોર્ટે ફટાકડામાં આરોગ્ય માટે હાનિકારક રસાયણો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ નિર્દેશ કર્યો હતો કે, ગ્રીન ફટાકડા અથવા નિયમોનું પાલન કરીને ઓછા હાનિકારક ફટાકડાનું વેચાણ થાય છે અને ફુટવા જોઈએ. ગત 29મી ઓક્ટોબરના રોજ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નથી પરંતુ આરોગ્ય માટે હાનીકારક ફટાકડા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં પ્રદુષણ વધારે ફેલાતું હોવાનું કારણ આગળ ધરીને કેટલાક રાજ્યો ફટાકડા ફોડવા ઉપર આકરા નિયંત્રણો લાદી રહ્યાં છે. પરંતુ સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારો પૂર્વે જ જનતાને મોટી રાહત આપી છે.