ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. તેથી તમામ રોજગાર-ધંધા રાબેતા મુજબ થયા છે. કોરોના કાળમાં સૌથી વધુ ટ્રાવેલ્સ ઉદ્યોગને સહન કરવું પડ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રાવેલ્સ ઉદ્યોગ માટે રાહત પેકેજ તો જાહેર કર્યું છે. જેમાં ટ્રાવેલ્સ ઓપરેટરને 10 લાખ રૂપિયા લોન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ લોન એવા ઓપરેટરોને અપાશે કે જે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં રજીસ્ટર થયેલા હોય, અને એવા ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને જ આનો ફાયદો મળશે.
જેના પરિણામે ગુજરાતના 5થી 6 હજાર ટુર ઓપરેટરોમાંથી માત્ર 10થી 15 મોટા ટુર ઓપરેટરોને જ આ યોજનાનો ફાયદો થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. એટલે નાના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોને કોઈ ફાયદો નહીં થાય એવું ટ્રાવેલર્સ કહી રહ્યા છે.
કોરોના મહામારીની બીજી લહેરે દેશની આર્થિક સ્થતિ ડામાડોળ કરી નાખી છે. પ્રથમ લહેર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ છૂટછાટ બાદ ફરી બીજી લહેરે અનેક નાગરિકોને બે રોજગાર તો વેપારીઓને દેવાદાર કરી દીધા છે. તેમાં પણ ખાસ કરીને ટ્રાવેલ્સ બિઝનેસ અને ટુરીઝમ બિઝબેસ સાથે સંકળાયેલા લોકોની હાલત ખૂબ કફોડી કરી દીધી છે. તેવામાં કેન્દ્ર સરકારે આ સેક્ટરને બેઠું કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજને કેટલા ટ્રાવેલ્સ કંપનીઓના માલિક આવકારે છે તો કેટલાક તેને રણના મૃગજળ સમાન ગણાવે છે.