અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક પ્રકરણ સંદર્ભે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજીને તપાસની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળના આગેવાનો અને ગૃહમંત્રી વચ્ચે બેઠક મળી હતી. પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળને કોઈ ફરિયાદ નહીં મળી હોવાનું ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ જણાવ્યું હતું. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસ પણ તપાસ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં રવિવારે ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી. જેના પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો થઈ રહ્યાં છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ જણાવ્યું કે, પેપર લીકના આક્ષેપ અંગે સાબરકાંઠાની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે 16 ટીમ બનાવી તપાસ આરંભી છે. પેપર લીક થયું છે કે, કેમ તે અંગે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી પેપરની આન્સર કી જાહેર કરવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું છે કે, જો પેપર લીક થયું હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે.
દરમિયાન પેપર લીક મામલે આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજ્યાં હતા. તેમજ પેપર લીકની યોગ્ય તપાસની માંગણી કરી હતી. તેમજ રાજ્યની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.