નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાજ્યસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, કોંગ્રેસને પરિવાર સિવાય કશું દેખાતું નથી. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, જ્યારે એક મંત્રીને સવાદ કર્યો કે ટુકડે-ટુકડે ગેંગના સભ્ય કોણ છે, ત્યારે મંત્રીએ કહ્યું કે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. ટુકડે-ટુકડે ગેંગ, ઓક્સિજનથી અછતથી થયેલા મોત, નદીઓમાં તરતા મૃતદેહ, ઘરે પરત ફરી રહેલા પ્રવાસીઓના કોઈ ડેટા તેમની પાસે ઉપલબ્ધ નથી. આ સરકારનું નામ તો કોઈ ડેટા ઉપલબ્ધ નથી સરકાર હોવું જોઈએ.
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો તમે મોંઘવારી સાથે યુપીએ યુગની તુલના કરશો તો તમને ખબર પડશે કે મોંઘવારી શું છે. યુપીએના સમયમાં મોંઘવારી બે આંકડામાં હતી. જો અમેરિકાની સરખામણી કરીએ તો ભારતમાં મોંઘવારી ઓછી છે. અમે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. જો કોંગ્રેસ ન હોત તો દેશના સામાન્ય માણસને પ્રાથમિક સુવિધાઓ માટે આટલા વર્ષો સુધી રાહ જોવી ન પડી હોત.
છેલ્લા બે વર્ષમાં કેટલીક પાર્ટીના કેટલાક મોટા નેતાઓ દ્વારા બતાવવામાં આવેલી અપરિપક્વતાએ દેશને ખૂબ જ નિરાશ કર્યો છે. અમે જોયું કે કેવી રીતે રાજકીય સ્વાર્થમાં રમતો રમાય છે, ભારતીય રસી સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.