અમદાવાદઃ કોરોનાને કારણે હાલમાં તમામ ઓફિસો બંધ હોવાથી કોર્પોરેટ કરદાતાને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી સીબીઆઇસીએ કોર્પોરેટ કરદાતાને ડિજિટલ સિગ્નેચરને બદલે ઓટીપીથી રિટર્ન ફાઇલ કરવા મંજૂરી આપી છે. આ નિર્ણયથી વેપારીઓને ખૂબ રાહત થશે.
રાજ્યમાં કોરોનાને લીધે લોકડાઉન જેવી સ્થિતિ છે. વેપારીઓ ઓફિસો બંધ હોવાથી જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જીએસટીમાં કોવિડ-19ને લઇને ઘણાં બધાં કોર્પોરેટ ગ્રુપ પણ વર્કફ્રોર્મ હોમ કરી રહ્યાં છે. જેથી કરદાતાઓને જીએસટીઆર-1 અને 3બી રિટર્ન ભરતી વખતે ડિજિટલ સિગ્નેચરની જરૂરિયાત રહે છે. જેના કારણે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરી શકતા ન હોતા.
સીબીઆઇસીએ પરિપત્ર કરીને આવા કરદાતાઓને જીએસટીઆર-1, 3બી અને આઇટીસી-04 રિટર્ન ઓટીપીથી મળી શકે તે માટે 31 મે સુધીની છૂટ આપી છે. આમ કંપની કરદાતાઓ પોતાના રિટર્ન વગર ડિજિટલ સિગ્નેચર વિના ઓનલાઇન સિસ્ટમથી ઓટીપી લઇને ફાઇલ કરી શકશે. આમ સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત પૂરી પાડી છે.