રાજકોટઃ શહેરના બેડી માર્કેટ યાર્ડ તેમજ જૂના યાર્ડમાં માસ્ક પહેર્યા વિના આવનાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યો છે. બેટી માર્કેટ યાર્ડમાં રોજબરોજ બહારગામથી હજારો લોકો આવતા હોય છે. શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ત્યારે યાર્ડમાં આવનારા અનેક લોકો કોરોનાનો ભોગ ન બને તો માટે હવે માસ્ક પહેર્યા વિના આવનારા લોકોને યાર્ડમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસર્યું હોય તેમજ બેડી યાર્ડના અનાજ વિભાગ અને જૂના યાર્ડના શાકભાજી વિભાગમાં દરરોજ 8થી 10 હજાર નાગરિકોની અવરજવર રહેતી હોય સંક્રમણ ફેલાતું રોકવા આ નિર્ણય કરાયો હોવાનું જણાવી ચેરમેને જણાવ્યું હતું કે, માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં અપાય એટલું જ નહીં માસ્ક પહેર્યું ન હોય તેને દંડ પણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડના ડિરેકટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અનેક વેપારીઓ અને કમિશન એજન્ટો કોરોનાગ્રસ્ત બન્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
મહત્વપૂર્ણ છે કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની અમલવારી કરાવવી વિશેષ જરૂરી છે. તદઉપરાંત સેનિટાઈઝેશન માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા વ્યાપક લોક માગણી ઉઠી રહી છે. દરરોજ યાર્ડમાં પ્રવેશતા 10 હજાર નાગરિકોની વચ્ચે યાર્ડના કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામગીરી કરી રહ્યા છે. તાથી તકેદારી રાખવી જરૂરી છે.