Site icon Revoi.in

વડોદરામાં આજે થર્ટીફસ્ટની ઊજવણીને લીધે રાત્રે કેટલાક રસ્તાઓ પર વાહનોને નો એન્ટ્રી

Social Share

વડોદરાઃ શહેરમાં આજે થર્ટીફસ્ટની ઊજવણી માટે વિવિધ કલબો પાર્ટી પ્લોટ્સ વગેરે સ્થળોએ આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલ પ્રતિમા સર્કલ, અલકાપુરી રોડ, સહિતના જાહેર માર્ગો પર યુવાધન એકત્ર થઈને નૂતન વર્ષ 2024ને આવકારવા માટે ઊજવણી કરતું હોય છે. ત્યારે શહેરના કેટલાક માર્ગો પર આજે થર્ટીફસ્ટના રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે નો એન્ટ્રી રહેશે. જેના માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં થર્ટી ફસ્ટને લઈ ધામધૂમથી ઉજવણી કરાશે. ત્યારે રાત્રિના સમયે કોઈ પણ વાહન ચાલકોને મુશ્કેલી ન ઉભી થાય તે માટે મુખ્ય વિસ્તારોમાં રોડ નો એન્ટ્રી રહેશે. શહેરના ફતેગંજ વિસ્તાર તેમજ સયાજીગંજ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ અલકાપુરી રોડ, ચકલી સર્કલ આસપાસ 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી સમયે કોઈ આકસ્મિક બનાવ ન બને તેમજ નાગરીકોની સલામતી જળવાય તે માટે તે રસ્તા પરથી પસાર થતાં દરેક પ્રકારનાં વાહન વ્યવહારને તા.31/12/2023ના રોજ 20:00 કલાકેથી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા અને વૈકલ્પીક વ્યવસ્થા માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં નરહરિ સર્કલથી સદર બજાર રોડથી જૂનાવુડા સર્કલ તરફ, જુનાવુડા સર્કલ થઈ સદર બજાર રોડથી નરહરિ સર્કલ તરફ, ફતેગંજ સર્કલ થઈ કાલાઘોડા સર્કલ તરફ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી જેલ રોડ થઈ કાલાઘોડા સર્કલ તરફ, ફતેગંજ ઇ એમ ઇ સર્કલથી ફતેગંજ જૂના વુડા સર્કલ તરફ, એસ.ટી.બસો ફતેગંજ સર્કલથી કાલાઘોડા સર્કલ તરફ, કાલાઘોડા સર્કલ થઈ નરહરિ સર્કલ તરફ જઈ શકાશે નહી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં શહેરના નરહરિ સર્કલ થઈ ફતેગંજ સર્કલ તરફ, કાલાઘોડા સર્કલ તરફ જે તે તરફ જઈ શકાશે. જુનાવુડા સર્કલથી ફતેગંજ સર્કલ તરફ તથા ઇ એમ ઇ સર્કલથી જે તે તરફ જઈ શકાશે. ફતેગંજ સર્કલથી પંડ્યા બ્રિજ ઉપરથી અટલ બ્રિજ ઉપર થઇ ઓલ્ડ પાદરા રોડ તરફ તેમજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ અને છાણી જકાતનાકા સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે. મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી અકોટા બ્રિજ ઉપર થઇ ગાય સર્કલ-યોગા સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે. ઇ એમ ઇ સર્કલથી પંડ્યા બ્રિજ નીચેથી ડાબી બાજુથી નટરાજ સર્કલ થઈ સેન્ટ્રલ એસ ટી ડેપો તરફ જઈ શકાશે. કાલાઘોડા સર્કલથી રેલવે સ્ટેશન રોડ થઈ સેન્ટ્રલ એસ ટી ડેપો તરફ જઈ શકાશે.