વિપક્ષના ગમે તેટલા નેતા ભેગા થાય પરંતુ તેમનામાં એકતા શકય નથીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવા વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓને આમાં ભાગ લેવા આંમત્રણ અપાયું છે. આ બેઠકને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષની બેઠકથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ એકલા હાથે ભાજપને હરાવી શકે નહીં. એટલું જ નહીં વિપક્ષના ગમે એટલા ભેગા થાય પરંતુ તેમનામાં એકતા શક્ય નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષની બેઠક પર કહ્યું કે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તેઓ વડાપ્રધાન મોદીને પડકારવા માંગે છે. તેમણે કહ્યું કે હું વિપક્ષી નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા સાથે હોવ, તમારી એકતા શક્ય નથી. જો એકતા શક્ય હોય તો પણ કોઈ ફાયદો નથી. વર્ષ 2024માં મોદી 300થી વધુ બેઠકો સાથે ફરીથી વડાપ્રધાન બનશે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ખૂબ જ રમુજી છે કે કેટલાક એવા નેતાઓ કોંગ્રેસની છત્રછાયા હેઠળ ભેગા થઈ રહ્યા છે, જેમણે ઈમરજન્સી દરમિયાન લોકશાહીની હત્યા જોઈ હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનો જાહેરમાં આભાર વ્યક્ત કરવા માંગુ છું કે કોંગ્રેસ એકલી પીએમ મોદીને હરાવવામાં નિષ્ફળ રહી છે. તેમને સમર્થનની જરૂર છે.