Site icon Revoi.in

વિવિધ ગામોમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરોમાં મેડિકલ સ્ટાફ અને સુવિધાનો અભાવ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે મોટાભાગના ગામોમાં તાલુકા પંચાયત દ્વારા કોવિડ સેન્ટરો શરૂ કરી દેવાયાં, જો કે, મેડિકલ સ્ટાફ અને યોગ્ય સુવિધાનો અભાવ હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી સ્થાનિકો કોવિડ સેન્ટરમાં સારવાર માટે જવાને બદલે મોટી હોસ્પિટલમાં જવાનું પસંદ કરતા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. સરકારે” મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનની શરૂઆત કરી છે. જે હેઠળ રાજ્યના અને ગામોમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યાં છે.

કોવિડ કેર સેન્ટરમાં ખાટલા, ગાદલા, હવાની અવર જવર માટે પંખા, પાણીની સગવડ, મેડીસીનની કીટ, બીપી માપવાનું મશીન, થર્મલ ગન, સહિતના સાધનો રાખવાના હોય છે. જો કે મોટા ભાગના ગામડાઓમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરો પુરતી સુવિધા નહીં હોવાથી આ સેન્ટરો શોભાના ગઠિયા સમાન પુરવાર થઈ રહ્યાં છે. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કે્ન્દ્રોમાં જરૂરી ઈન્જેકશન, કીટ સહિતનો જથ્થો પુરો પાડવામાં આવતો નથી. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે કે, ગ્રામ્ય વિસ્તારમાં શાળા કે સમાજની વાડીમાં લોક ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર શરુ કરવા સરકાર દ્વારા જણાવ્યું છે. સરકાર કોઈ ફાળો આપવાની નથી લોકો પાસેથી ફંડ ઉઘરાવી ગ્રામ પંચાયતોને સેવા કરવાનું કહી તેમના માથે ઢોળી દેવામાં આવ્યુ છે. કોવિડ કેસ સેન્ટરોમાં સુવિધાના અભાવે લોકો દાખલ થતા નથી. જેથી ગ્રામીણ વિસ્તારમાં વકરતી મહામારી વચ્ચે સરકારની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો છે.