નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’નો મની ફોર ટેરર’ આતંક ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંત્રી સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે તે મોટી વાત છે. દાયકાઓ સુધી આતંકવાદે ભારતને ઘણુ નુકસાન કર્યું છે, પરંતુ અમે તેની સામે બહાદુરીથી લડ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું, જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. લાંબા સમયથી આતંકવાદની અસર ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે. પ્રવાસન ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં આતંકવાદે નુકશાન કર્યું છે. કોઈને આતંકવાદ પસંદ નથી, આતંકવાદી હુમલાઓને કારણએ લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદને ખતમ કરવા માટે ટેરરફન્ડીંગની તપાસ કરી રહી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. તેમણે આતંકવાદ સામે કેન્દ્રની ઝીરો ટોલરન્સ નીતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશના સુરક્ષા પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્રીજી મંત્રી પરિષદને સંબોધતા ડીજી ગુપ્તાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવું મારા માટે સન્માનની વાત છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદી ફંડિંગ માટે થઈ રહ્યો છે. ભારત પાસે આના પુરાવા છે.