35થી વધુ વયનાને ભાજપ યુવા મોરચામાં સ્થાન નહીં, વય મર્યાદા વટાવી ગયેલાને રાજીનામાં આપવા પડ્યા
અમદાવાદ : ભાજપ યુવા મોરચામાં વય મર્યાદા નક્કી કરતા અનેક નેતાઓના અરમાનો અધૂરા રહે તેવી શક્યતા છે. વય મર્યાદાને કારણે રાજકોટમાં યુવા ભાજપના નેતા પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. 35 વર્ષની વય મર્યાદા હોવાનો ભાજપનો આદેશ હોવાથી તેમની પાસેથી રાજીનામા લેવાયા છે. પણ મહત્વની વાત એ છે કે, 20 દિવસ પહેલા જ યુવા ભાજપ પ્રમુખની વરણી થઇ હતી અને હવે તેમના રાજીનામાં લેવાયા છે.
ગુજરાતમાં ભાજપ સંગઠનની નવરચના પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. વિવિધ મોરચાના હોદ્દેદારોની થયેલી નિયુક્તિ બાદ હવે શહેર અને જિલ્લા કક્ષાએ પણ વરણી કરાઈ રહી છે. વીસ દિવસ પહેલા રાજકોટ શહેર મોરચાના પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ વાળાની નિયુકિત કરવામાં આવી છે. જ્યારે કે મહામંત્રી તરીકે હિરેન રાવલ તથા કિશન ટીલવાની નિયુકિત કરાઈ હતી. પરંતુ 20 દિવસની અંદર જ નવા નિયમને કારણે તેઓને રાજીનામાં આપવા પડ્યા છે.
35 કે તેથી વધુ વયના લોકોને યુવા સંગઠન ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જો હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા તેવો પ્રદેશ ભાજપ દ્વારા નવો નિયમ બનાવાયો છે. જેના કારણે આજે રાજકોટ શહેર યુવા ભાજપના નેતા પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. બંનેએ પ્રદેશ ભાજપના નિર્ણયને શિરોમાન્ય ગણી રાજીનામા આપ્યા છે. જોકે, પક્ષના આ નિયમથી રાજકોટના યુવા કાર્યકર્તાઓમા નારાજગી જોવા મળી રહી છે