ગાંધીનગરઃ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો દાવો ભલે કરવામાં આવતો હોય છે. પણ સામાન્ય લોકો પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા જ ધ્રૂજી જતા હોય છે. કોઈપણ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જાય ત્યારે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હોવાની ફરિયાદો પણ અવાન-નવાર ઉઠતી હોય છે. મોબાઈલ,લેપટોપ કે વાહનોની ચોરીના બનાવમાં લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય તો પ્રથમ તો ફરિયાદીને જ ગુનેગાર હોય એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. માત્ર અરજી લઈને ફરિયાદીને પોલીસ સ્ટેશનના આંટા ખવડાવાતા હોય છે. આવી ફરિયાદો છેક ગૃહ વિભાગ સુધી મળ્યા બાદ હવે ‘E-FIR’ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લોન્ચ થતાંની સાથે જ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કેટલાક લોકો મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે વિવિધ પોલીસ સ્ટેશન જાય ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નહોતી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નહોતી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, અને મોબાઈલ, વાહન ચોરી જેવી ચોરીની ફરિયાદો માટે લોકોને પોલીસની હેરાનગતિનો સામનો કરવો નહીં પડે. કેમ કે, ટૂંક સમયમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લોન્ચ થતાંની સાથે જ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે. આ માટેનું સોફ્ટવેર તેમજ વેબ પોર્ટલ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, અને હાલમાં જ આ સોફ્ટવેર તેમજ વેબ પોર્ટલ તૈયાર કરવા માટેની કામગીરી ચાલી રહી છે. શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા અમુક શહેરોમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદમાં તેને રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનો પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ વધારે ન દેખાય તે માટે ઘણી વખત મોબાઈલ, અછોડાતોડ, વાહન ચોરી જેવી ચોરીની ફરિયાદો નોંધવામાં આનાકાની કરતી હોય છે. આ ઉપરાંત પીડિતો પાસેથી પુરાવાના નામે મહિનાઓ સુધી તેમની ફરિયાદ નોંધતી હતી. જો કે, હવે નાગરિકોને ચોરીની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધરમ ધક્કા ખાવા નહીં પડે. કેમ કે, લોકો હવે પોતાના મોબાઈલ અને કમ્પ્યુટર કે લેપટોપ વડે જ FIR નોંધાવી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા ‘ઈ-FIR’ પોર્ટલ તૈયાર કરી રહ્યું છે. ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદીએ જાતે જ પોર્ટલમાં જઈને ચોરી થયેલી વસ્તુના બિલ કે ઓળખરૂપી પુરાવા, ચોરી થવાનું સ્થળ, સમય સહિત ચોરીનું વર્ણન કરવું પડશે. આ ઉપરાંત પોર્ટલ પર માગ્યા મુજબની તમામ વિગતો ભર્યાં બાદ તરત જ FIR નોંધાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત પોલીસના સિટિઝન પોર્ટલ પર પોલીસની સેવા માટે એપ્લિકેશન, ખોવાયેલી ચીજવસ્તુઓ અથવા વ્યક્તિઓની જાણ, સિનિયર સિટિઝન રજિસ્ટ્રેશન સહિતની સુવિધાઓ ઓનલાઈન સિસ્ટમમાં આપવામાં આવી છે. જે બાદ હવે ઈ-FIR માટેનો આ પ્રોજેક્ટ શરૂઆતમાં અમુક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદ તેમાં સફળતા મળતાં સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટની અમલગીરી શરૂ કરવામાં આવશે.