રશિયા-યુક્રેન વિવાદ પર પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન, કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહી – ભારત શાંતિના પક્ષમાં
- રશિયા યુક્રેન વચ્ચેનો વિવાદ
- પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન
- કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહીં
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે, પીએમ મોદી ગઈ કાલે જર્મની પહોંચ્યા હતા અને બર્લિનમાં તેમણે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેન સંકટ શરૂ થતા તત્કાલ યુદ્ધ વિરામનું આહ્વાન કર્યુ હતું. આ યુદ્ધમાં કોઈપણ પક્ષની જીત થશે નહીં. પીએમ મોદીએ રશિયાનું નામ લીધા વગર કહ્યુ કે, યુક્રેન સંકટને કારણે તેલ અને ખાદ્યની કિંમતો આસમાન પર પહોંચી ગઈ છે. વિશ્વમાં ખાદ્યાન અને ફર્ટિલાઇઝરની કમી થઈ રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર ભાર પડ્યો છે પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશો પર તેની અસર વધુ ગંભીર થઈ રહી છે.
પીએમ મોદીએ તે પણ કહ્યુ કે મને ખુશી છે કે મારી 2022ની પ્રથમ વિદેશ યાત્રા જર્મનીમાં થઈ રહી છે. કોઈ વિદેશી નેતાની સાથે મારી પ્રથમ ટેલીફોન પર વાતચીત મારા મિત્ર ચાન્સલર ઓલાફ શોલ્ઝની સાથે થઈ. IGCનું હોવું દર્શાવે છે કે અમે અમારા રણનીતિક સંબંધોમાં કેટલું મહત્વ રાખીએ છીએ.
કોવિડકાળ પછીના સમયમાં ભારત અન્ય મોટી અર્થવ્યવસ્થાના મુકાબલે સૌથી ઝડપી ગ્રોથ કરી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે. હાલમાં અમે ખુબ ઓછા સમયમાં યુએઈ તથા ઓસ્ટ્રેલિયાની સાથે વેપાર સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.