સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી, પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીઃ હાઇકોર્ટ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જોકે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે. રિવરફ્રન્ટની મુલાકાતે આવનારાઓ પણ વધી રહ્યાં છે. ત્યારે રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો કોઈ ઝોન ન હોવા છતાં આ વ્યક્તિનું ટુ-વ્હીલર ટૉઇંગ ટીમ દ્વારા ટૉ કરી લેવામાં આવ્યું હતું. જેથી તેણે હાઇકોર્ટમાં આ ફરિયાદ કરીને વાહનને મુક્ત કરવા કહ્યું હતું. હાઇકોર્ટે પણ ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપતા તાત્કાલિક અસરથી વાહન છોડવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે એવું જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નો પાર્કિંગ ઝોન બનાવવામાં નથી આવ્યા. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પોતે સ્વીકારતું હોય કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી તો પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહીં. હાઇકોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને સુનાવણી આપતા કહ્યું કે, વાહન કથિત ટ્રાફિકના ઉલ્લંઘનના મામલામાં જપ્ત કરાયું હોવાનું લાગી રહ્યું છે. પરંતુ ફરિયાદીને RTIમાં વાહન જપ્ત કરવા પાછળ ‘નો પાર્કિંગ ઝોન’નું કારણ અપાયું છે, જે તે સમયે ત્યાં નહોતું. વધુમાં ફરિયાદીને કથિત ટ્રાફિક ઉલ્લંઘન માટે કોઈ ચલણ આપવામાં આવેલું નથી. આવી પરિસ્થિતિમાં વાહનને જપ્ત કરવું કાયદાની વિરુદ્ધમાં છે અને વાહનને છોડી દેવું જોઈએ.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટૉઇંગની ટીમ દ્વારા ઘણીવાર ખોટી રીતે વાહનો ટૉ કરવામાં આવતા હોય છે. જેને લઈને શહેરીજનોની ટ્રાફિક પોલીસ તથા ટૉઇંગ ટીમ સાથે જીભાજોડી થતી હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે. બીજી તરફ રિવરફ્રન્ટ પર પણ પાર્કિંગની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. મુલાકાતીઓ ખુલ્લી જમીનમાં આડેધડ મનફાવે ત્યાં વાહન મુકી દેતા હોય છે.