આરક્ષણના લાભ લેવા માટે કોઈ વ્યક્તિને ધર્માંતરણની મંજુરી ના આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે ધર્માંતરણ કરે છે તો તેને તે ફાયદો ઉઠાવવાની મંજુરી આપી શકાય નહીં. તેમ કહીને સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક ખ્રિસ્તી મહિલાએ કરેલી અરજી ફગાવી દીધી હતી. તેમજ મહિલાની અરજી ફગાવતા સંવિધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ અનુસાર ચર્ચમાં જઈને પ્રાર્થના અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ થવા અને ઈસાઈ ધર્મની પરંપરાનું પાલન કરનાર વ્યક્તિ પોતાને હિન્દુ બચાવીને અનુસૂચિત જાતિ હેઠળ મળતા આરક્ષણના લાભ મેળવી શકે નહીં. ન્યાયમૂર્તિ પંકજ મિત્થલ અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની ખંડપીઠએ મદ્રાસ હાઈકોર્ટના 24મી જાન્યુઆરી 2023ના આદેશને પડકારતી સી.સેલ્વરાનીની અરજી ફગાવતા ટીપ્પણી કરી હતી કે, ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની સાથે સંવિધાનના અનુચ્છેદ 25 હેઠલ દેશમાં દરેક નાગરિકને પોતાની મરજીથી ધર્મ અને આસ્થા પસંદ કરવાનો અધિકાર છે અને તે ધર્મની પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરવાની આઝાદી છે. કોઈ પોતાનો ધર્મ ત્યારે જ બદલે છે જ્યારે તે વાસ્તવમાં તે કોઈ બીજા ધર્મના સિદ્ધાંતો, માન્યતાઓ અને પરંપરાઓથી પ્રભાવિત હોય, પરંતુ કોઈ વ્યક્તિ પોતાના હ્રદયમાં સાચી આસ્થા વિના પોતાનું ધર્માંતરણ માત્ર બીજા ધર્મ હેઠળ મળતા આરક્ષણના ફાયદા લેવા માટે કરે તો સંવિધાન અને ન્યાયપાલિકા તેની મંજુરી આપી શકે નહીં, કેમ કે સાચી આસ્થા વિના ધર્મ પરિવર્તન માત્ર સંવિધાન સાથે જ છેતરપીંડી સમાન છે, તેમજ આરક્ષણની નીતિના સામાજિક સારોકારને હરાવવા જેવુ છે, જેથી આરક્ષણના સામાજિક મુલ્ય નષ્ટ થશે.
સુપ્રીમ કોર્ટે પુદુચ્ચેરીની એક મહિલાની અરજી ફગાવતા આ ટીપ્પણી કરી હતી. આ ખ્રિસ્તી મહિલાએ નોકરીમાં અનુસુચિત જાતિ હેઠળ મળતા આરક્ષણના લાભ લેવા માટે પોતાના ધર્માંતરણની માન્યતાનો આગ્રહ કરીને આ અરજીકરી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, અરજદાર મહિલા ખ્રિસ્તી ધર્મની પરંપરાનું પાલન કરે છે. તે નિયમિત રીતે ચર્ચ જઈને ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લે છે. તેમ છતા પોતાને હિન્દુ બતાવીને નોકરી મેળવવા માટે અનુસુચિત જાતિને મળતા આરક્ષણના લાભ લેવા માગે છે. આ સંવિધાનિક સિદ્ધાંતોની દ્રષ્ટીએ યોગ્ય નથી. જેથી આ મહિલાના આ દાવાને મંજુરી કરી ના શકાય. ખ્રિસ્તી ધર્મનું પાલન કરવાની સાથે પોતે હિન્દુ હોવાનો દાવો ના કરી શકે. તેને અનુસુચિત જાતિના રક્ષણના ફાયદા આપવા ના જોઈએ. અરજદાર સેલ્વરાનીએ અગાઉ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરીને પુદુચ્ચેરી જિલ્લા પ્રશાસનને અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર જાહેર કરવાનો નિર્દેશ કરવાની માંગણી કરી હતી.