નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. PM નેતન્યાહુએ પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં હાલના ઘટનાક્રમો અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિ માટે કોઈ સ્થાન નથી. પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ ઘટાડવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ માટે કામ કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સમર્થન આપવા તૈયાર છે. બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ રોશ હશનાહના અવસર પર પ્રધાનમંત્રી નેતન્યાહુ અને વિશ્વભરના યહૂદી લોકોને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હમાસના હુમલા બાદ ઓક્ટોબર 2023થી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસને ખતમ કરવાની ઈઝરાયલે પ્રતિજ્ઞા લીધી છે. એટલું જ નહીં આતંકવાદી સંગઠન હમાસના સમર્થન આપનાર સંગઠનો સામે પણ હાલ ઈઝરાયલ લડી રહ્યું છે. ઈઝરાયલ હમાસની સાથે હિઝબુલ્લાહ સહિતના સંગઠનો સામે લડી રહ્યું છે.