નો પ્લાસ્ટીક અભિયાનઃ વિવિધ મંદિરોમાં કાપડની થેલીઓ માટે 14 મશીન લગાવાયાં
- ધાર્મિક સ્થળો ઉપર 60 દિવસમાં 5 હજારથી વધારે બેગનું વિતરણ
- 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીનો લગાવવા
- બે મહિનામાં 9500થી વધારે બોટલ રિસાયકલ કરાઈ
અમદાવાદઃ ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પ્લાસ્ટિકના ઉપયોગ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યના મહત્વના મંદિર સંકુલોમાં વિશેષ એટીએમ લગાવવામાં આવ્યા છે. આ મશીનોમાંથી કાપડની થેલીઓ મેળવી શકાય છે. આ ઉપરાંત રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીનો લગાવવામાં આવ્યા છે. તેમની મદદથી બે મહિનામાં 9500થી વધુ બોટલ રિસાયકલ કરવામાં આવી છે.
તાજેતરમાં રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો જેવાકે અંબાજી, સોમનાથ, દ્વારકા, શલાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર સંકુલમાં 14 મશીનો લગાવવામાં આવ્યા છે. અહીં આવતા ભક્તોને હવે કાપડની થેલીઓમાં જ પ્રસાદ આપવામાં આવે છે.આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા QR કોડ સ્કેન કરીને બેગ મેળવી શકાય છે. આ પહેલને મંદિરમાં આવતા ભક્તો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5 હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલને આગળ વધારવા માટે, આગામી એક મહિનામાં અમૂલ પાર્લરના 250 આઉટલેટ્સ પર આવા મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવશે.
જીપીસીબીના ચેરમેન આર.બી.બારડે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા અને કાપડની થેલીઓનો ઉપયોગ વધારવાના હેતુથી શોપિંગ પોઈન્ટ પર એટીએમ લગાવવામાં આવ્યા છે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે. તેવી જ રીતે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભરૂચ અને સુરતના ઉધના રેલ્વે સ્ટેશન સહિત સાત એસટી સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. તેની મદદથી, પ્લાસ્ટિકની બોટલોને સ્થળ પર જ કચડી અને રિસાયકલ કરવામાં આવે છે. આ મશીનો 5 જૂન, 2024 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર શરૂ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 9500 થી વધુ પ્લાસ્ટિક બોટલનું રિસાયકલ કરવામાં આવ્યું છે.
#PlasticFreeGujarat #GPCBInitiative #ReverseVendingMachines #PlasticRecycling #ClothBagsDistribution #EcoFriendlyIndia #AmbajiTemple #SomnathTemple #DwarkaTemple #SustainabilityDrive #PlasticBottleRecycling #EcoATM #PlasticAwareness #EnvironmentConservation #CleanGujarat #ReducePlasticWaste #SustainableLiving #AmulOutlets #GreenInitiative #TempleSustainability