નવી દિલ્હી: 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ દ્વિવાર્ષિક ચૂંટણી થવાની છે. કેન્દ્રની સત્તાધારી ભાજપે 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમાંથી ચાર જ ઉમેદવાર જૂના ચહેરા છે અને 24 ઉમેદવારો નવા છે. જે ચહેરાઓને ફરીથી ટિકિટ અપાય છે, તેમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાને ગુજરાતથી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને મધ્યપ્રદેશથી અને ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીને ઉત્તર પ્રદેશથી ભાજપના ઉમેદવાર બનાવાયા છે. ભાજપને 28માંથી 27 બેઠકો પર જીત પાક્કી લાગે છે અને એક બેઠક પર ઓડિશાથી ઉમેદવાર અશ્વિની વૈષ્ણવ બીજૂ જનતાદળના સહયોગથી રાજ્યસભામાં પહોંચશે.
ભાજપે સાત કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, નારાયણ રાણે, પુરુષોત્તમ રુપાલા, વી. મુરલીધરન, રાજીવ શેખરને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા નથી. આ સિવાય બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સરોજ પાંડયે તથા ભાજપના રાષ્ટ્રીય મીડિયા સેલના પ્રમુખ અનિલ બલૂનીને પણ ફરીથી રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કરાયો છે. માનવામાં આવે છે કે ભાજપ આ તમામ ચહેરાઓને 2024 લોકસભાની ચૂંટણીમાં ઉતારવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ સૂચન હતું કે રાજ્યસભાના સાંસદો ઓછામાં ઓછા એકવાર ચૂંટણી લડીને લોકસભાના માર્ગે સંસદમાં પહોંચે. તેના પછી વધુમાં વધુ કેન્દ્રીય મંત્રીઓને લોકસભા ચૂંટણી લડાવવાનો અભિપ્રાય બંધાયો હતો. ખાસ કરીને એવા મંત્રીઓ કે જેમનો રાજ્યસભામાં બે ટર્મનો કાર્યકાળ પૂર્ણ થયો છે.
માનવામાં આવે છે કે ભાજપની આ વ્યૂહરચના તેના 370 પ્લસના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં સહાયક બનશે. જો કે ભાજપની નવી રણનીતિથી સીટિંગ એમપીમાં ખળભળાટ પણ છે. કારણ કે આ ચહેરાઓ માટે સુરક્ષિત સીટ શોધવી અને જીત સુનિશ્ચિત કરવાની વાત છે. ત્યારે ઘણાં સીટિંગ સાંસદોને પોતાની ટિકિટ કપાવવાની શક્યતા દેખાય રહી છે. આ સિવાય લાંબા સમયથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરનારા જૈફવયના નેતાઓને પણ ટિકિટ કપાવાની લગભગ ખાત્રી છે.
રાજ્યસભામાં નવા ચહેરા ઉતારીને ભાજપે સ્પષ્ટ સંકેત પણ આપ્યા છે કે પાર્ટી રામમંદિર આંદોલનમાં સામેલ આંદોલનકારીઓને યોગ્ય સમ્માન લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને કરી શકે છે. તેના સિવાય પાર્ટી યુવા ચહેરાઓ પર ફોકસ કરી રહી છે અને જેથી પાર્ટીમાં સેકન્ડ અને થર્ડ જનરેશન તૈયાર કરી શકાય.