દિલ્હી: રાજધાની દિલ્હીની પ્રદૂષિત હવામાં કોઈ સુધારો થયો નથી. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરનું વાતાવરણ પ્રદૂષણથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીંની હવા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. ગત ગુરુવારે પણ ઓછાવત્તા અંશે એ જ સ્થિતિ રહી હતી અને આજે પણ એ જ સ્થિતિ છે.
રાજધાનીના 14 વિસ્તારોનો AQI 400 થી ઉપર એટલે કે ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો. આગામી બે-ત્રણ દિવસ સુધી દિલ્હીને પ્રદૂષણમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર ગુરુવારે દિલ્હીનો AQI 390 હતો. શુક્રવારે સવારે આ આંકડો 450 પર પહોંચ્યો હતો.
હવાના આ સ્તરને ‘ખૂબ જ ખરાબ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તે ‘ગંભીર’ શ્રેણીથી માત્ર 10 પોઈન્ટ નીચે છે. એક દિવસ પહેલા બુધવારે તે 395 હતો, એટલે કે 24 કલાકમાં પાંચ પોઈન્ટનો થોડો ઘટાડો થયો હતો, પરંતુ આજે ફરીથી AQIમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. બવાના દિલ્હીનો સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો, જ્યાં AQI 450 હતો જ્યારે જહાંગીરપુરી બીજા સ્થાને હતો. અહીં AQI 439 નોંધાયો હતો.
ધોરણો અનુસાર, હવામાં PM 10 નું સરેરાશ સ્તર 100 થી ઓછું હોવું જોઈએ અને PM 2.5 નું સરેરાશ સ્તર 60 થી ઓછું હોવું જોઈએ. ત્યારે જ તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ગુરુવારે સાંજે 4 વાગ્યે દિલ્હીની હવામાં PM 10નું સરેરાશ સ્તર 355 હતું અને PM 2.5નું સ્તર 206 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું. હવામાં પ્રદૂષણના કણોનું સ્તર ધોરણો કરતાં સાડા ત્રણ ગણું વધારે છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન પવનની ઝડપ સામાન્ય રીતે દસ કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. જેના કારણે પ્રદુષકો વિખેરાઈ રહ્યા નથી. AQI શનિવારે ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચ્યો હતો.