નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીના છ સભ્યોમાંથી 5 સભ્યોએ રેપો રેટમાં ઘટાડો ન કરવાનો મત આપ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો આરબીઆઈના 4 ટકાના સહનશીલતા બેન્ડથી નીચે હોવા છતાં, આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમ મોંઘા ઈએમઆઈમાંથી લોકોને કોઈ રાહત મળી નથી.
આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક તણાવ ફુગાવા માટે સૌથી મોટું જોખમ છે. ધાતુઓ અને ખાદ્યપદાર્થોના ભાવમાં તાજેતરના વધારાને કારણે છૂટક ફુગાવાનું જોખમ રહેલું છે. તેમણે કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટમાં કોર ફુગાવો વધ્યો છે અને બેઝ ઈફેક્ટને કારણે રિટેલ ફુગાવાના દરમાં તીવ્ર ઉછાળો આવવાની શક્યતા છે. RBI ગવર્નરે 2024-25 માટે રિટેલ ફુગાવાનો દર 4.5 ટકા રહેવાની આગાહી કરી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ફુગાવો 4.1 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.2 ટકા રહેવાની ધારણા છે.
બેન્કિંગ બાબતોના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવા પર જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે 2024માં સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મોંઘવારી દરને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેન્કના પ્રયાસો ચાલુ છે, પરંતુ રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર ખાદ્યપદાર્થોનો ફુગાવો હજુ પણ લક્ષ્યાંકથી ઉપર છે. તેથી રેપો રેટને 6.50 ટકા પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રેપો રેટમાં ઘટાડા માટે રાહ જોઈ રહેલા બેંક ગ્રાહકો નિરાશ છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડા પછી એવું લાગ્યું હતું કે રિઝર્વ બેન્ક પણ રેપો રેટમાં ફેરફાર કરશે અને તહેવારો પહેલા મોંઘા EMI ચૂકવનારાઓને ભેટ આપશે. પરંતુ આવું થયું નથી.