Site icon Revoi.in

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ ગેરંટી પણ આપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, પહેલી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે આરક્ષણ આપવામાં આવશે નહીં. “બીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પણ CAAને રદ કરી શકશે નહીં.” “ત્રીજી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તમને રામ નવમીની ઉજવણી કરતા કોઈ રોકી શકશે નહીં.” “ચોથી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ ઉલટાવી નહીં શકે.” “પાંચમી ગેરંટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને OBC માટે અનામત સમાપ્ત થશે નહીં.”

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “દેશની આઝાદી પછી, કોંગ્રેસ પરિવારે 50 વર્ષ સુધી સરકારો ચલાવી, પરંતુ કોંગ્રેસના શાસનમાં, પૂર્વ ભારતમાં માત્ર ગરીબી અને સ્થળાંતર જ મળ્યું.” બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય કે આંધ્રપ્રદેશ. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના પક્ષોએ પૂર્વ ભારતને પછાત છોડી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “2014માં તમે મોદીને તક આપી હતી, મોદીએ નક્કી કર્યું છે કે, તેઓ દેશના પૂર્વીય ભાગને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવશે.”

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સંદેશખાલીના ગુનેગારને પહેલા તૃણમૂલ કોંગ્રેસે પોલીસથી બચાવ્યો અને હવે ટીએમસીએ નવો ખેલ શરૂ કર્યો છે. ટીએમસીના ગુંડા સંદેશખાલીની બહેનોને ડરાવી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, કારણ કે જુલમ કરનારનું નામ શાહજહાં શેખ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે સ્થિતિ એવી છે કે બંગાળમાં વિશ્વાસનું પાલન કરવું પણ ગુનો બની ગયો છે. બંગાળની ટીએમસી સરકાર રામનું નામ લેવા દેતી નથી. ટીએમસી સરકાર બંગાળમાં રામ નવમીની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી. કોંગ્રેસ અને ડાબેરીઓએ પણ રામ મંદિર સામે મોરચો ખોલ્યો છે.