Site icon Revoi.in

કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે: કર્ણાટકના ગૃહમંત્રી

Social Share

બેંગ્લોર: કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ ગુરુવારે સ્કૂલોમાં કેટલાક ધર્મની વિદ્યાર્થીનીઓને પહેરવેશને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીએ સ્કૂલમાં તેમના ધર્મના પાલન માટે ન આવવું જોઈએ, કારણ કે સ્કૂલ-કોલેજ બધા જ વિદ્યાર્થીઓ માટે એકતાની ભાવના સાથે શિક્ષણ મેળવવાની જગ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉડુપીમાં એક સરકારી કોલેજમાં ‘હિજાબ’ પહેરેલી કેટલીક વિદ્યાર્થિનીઓને દરવાજા પર રોકવામાં આવી હતી. અને તેમને કહેવામાં આવ્યું હતું કે ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી નથી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાના વિરોધમાં બુધવારે 100થી વધુ હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરીને ક્લાસમાં આવ્યા હતા.

જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે, સ્કૂલો બધા જ ધર્મના બાળકો માટે સાથે મળીને શિક્ષણ મેળવવાનું સ્થળ છે. આ વિદ્યાર્થીઓ બધા જ ભારત માતાના સંતાન છે અને તેમનામાં કોઈ ભેદભાવ નથી તેવી ભાવના પેદા કરવાની જગ્યા છે. કર્ણાટકમાં હિજાબ પહેરવાના વિવાદની શરૂઆત ઉડુપી જિલ્લાની એક સરકારી કોલેજમાં છ મુસ્લિમ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશતી અટકાવવાથી થઈ હતી.

કોલેજના આ નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમણે ક્લાસનો બહિષ્કાર કર્યો છે. જોકે, હિજાબ પહેરવાના વિરોધમાં હિન્દુ વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે. આથી ઉડુપીની એક કોલેજ સુધી મર્યાદિત હિજાબનો વિવાદ હવે આખા કર્ણાટક અને તેની કોલેજોમાં ફેલાઈ ગયો છે.