- ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી
- આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ
- આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત શરૂ નહીં કરે. જયશંકરે આ નિવેદન જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બીયરબોક સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું.
મીડિયા સાથે વાત કરતા જયશંકરે કહ્યું કે અન્નલેના બેરબોક સાથે પાકિસ્તાનને લઈને વાત કરી છે. તેમને સરહદ પારના આતંકવાદને લઈને ભારતની ચિંતાઓ જણાવી છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી અમે વાત કરી શકીએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જર્મનીના વિદેશ મંત્રીએ આ મામલે ભારતની સ્થિતિ સમજી લીધી છે.
એસ જયશંકર અને જર્મન વિદેશ મંત્રીએ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાન, ઈરાન અને સીરિયા પર પણ ચર્ચા કરી હતી. જે ભારત તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. વિદેશ મંત્રી એન્નાલેના બેરબોક સાથેની વાતચીત દરમિયાન ભારતે રશિયાને લઈને ફરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.