નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે પ્રજા ઉપર વધારાનો કોઈ બોજો ના પડે તે માટે બે વર્ષમાં ઈન્કમટેક્સમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યો હોવાનું નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું. જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ કેન્દ્ર સરકારના બજેટને આવકારીને સામાન્ય જનતાનું બજેટ ગણાવ્યું હતું.
લોકસભામાં બજેટ રજૂ કર્યાં બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, 80 લાખ સસ્તા ઘર આપવાની યોજના માટે રૂ. 48 હજાર કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. જેનો મોટો ફાયદો ગ્રામીણ અને અર્બન વિસ્તારમાં જોવા મળશે. શહેરી વિસ્તારોમાં એફોર્ડેબલ હાઉસિંગને સુલભ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેનો ફાયદો જરૂરિયાતમંદ લોકોને મળશે. અમે બે વર્ષમાં ઈન્કમટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. કોરોના મહામારી બાદ લોકો ઉપર વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી. જ્યારે વિશ્વના કોઈ દેશમાં આવુ થતું નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ નિર્દેશ છે કે સામાન્ય લોકો ઉપર ટેક્સનો બોજ ના પડવો જોઈએ. જેથી મુશ્કેલી ભરેલી આર્થિક પરિસ્થિતિઓ વચ્ચે અમે બે વર્ષથી ઈન્કમટેક્ષમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બજેટ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ માન્યુ હતું કે, હોસ્પિટેલિટી સેકટર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.
દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતાનું બજેટ છે અને આમા તમામ વર્ગોને સમાવી લેવાયા છે. પર્વતીય વિસ્તારના લોકોને આ બજેટથી ફાયદો થશે. ઉત્તરપૂર્વીય રાજ્યો માટે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે જેથી ત્યાંની જનતાને ફાયદો થશે. ખેડૂતો માટે પણ બજેટમાં અનેક યોજના જાહેર કરાઈ છે. તેમજ એમએસપી મારફતે ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદી કરવામાં આવશે.