Site icon Revoi.in

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર મોટા નિયમ ભંગ સિવાય ટ્રાફિક દંડ વસુલાશે નહીં

Social Share

અમદાવાદઃ  શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિક પોલીસ નાના વાહનોને રોકીને બેરોકટોક ઉઘરાણા કરતી હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.   આ નિર્ણય એવો છે કે હવે એસપી રિંગ રોડ પર વાહનચાલકો પાસેથી  કોઈ મોટી ઘટના સિવાય ટ્રાફિક દંડ વસૂલવામાં આવશે નહીં. એક તરફ અનેક ફરિયાદો બાદ લેવાયેલા નિર્ણયોથી વાહનચાલકો રાજી થયા છે તો બીજી તરફ વાહનચાલકો નિયમો નેવે મૂકીને અન્યો માટે પરેશાની ઉભી કરશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાફિક વિભાગના સંક્યુક્ત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણય બાદ અહીં 35 કિલોમીટર લાંબા રિંગ રોડ પર તૈનાત 240 ટ્રાફિક બ્રિગેડને અન્યત્ર પોઈન્ટ પર તૈનાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડને લઈને લેવામાં આવેલા આ નિર્ણય અંગે ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને યેનકેન પ્રકારે પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે તેમણે એ પણ જણાવ્યું કે, અહીં તૈનાત ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત કરાશે અને તેઓ અઠવાડિયાની રોટેશન પોલિસી પ્રમાણે ફરજ સોંપવામાં આવશે.

શહેરના એસપી રિંગ રોડ પરથી મોટા પ્રમાણમાં શહેરીજનો અને બહારથી આવતા નાગરિકો સિવાય ટ્રકો પણ આવન-જાવન કરે છે, આવામાં અહીં પોલીસના આદેશથી ટ્રાફિક બ્રિગેડના જવાનો આવા વાહનોને રોકીને ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદો મળતી હતી, જેને અંગેની માહિતી ટ્રાફિક વિભાગના ધ્યાને આવતા ભ્રષ્ટાચાર તથા લોકોને કનડગત થતી સ્થિતિમાં સુધારો કરવા માટે અહીં ટ્રાફિક બ્રિગેડના જવાનોને અઠવાડિયાના રોટેશનમાં નિયુક્ત કરવાનો તથા મોટી ઘટના સિવાય દંડ ન નહીં વસૂલવાનો નિર્ણય લઈને આદેશ આપવામાં આવ્યા છે.

આ અંગે મયંકસિંહે જણાવ્યું કે, તેમનું હાલ કેન્દ્ર ટ્રાફિક રેગ્યુલેશનનું છે અને તેના માટે જ્યાં સુધી કોઈ મોટા ટ્રાફિક નિયમ ભંગની ઘટના ના બને ત્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે. તેમણે એ પણ જણાવ્યું કે સરદાર પટેલ રિંગ રોડ પર તૈનાત રહેતા ટ્રાફિક પોલીસ જવાનોને ટ્રાફિક બૂક કે પછી પીઓએસ મશીન આપવામાં નહીં આવે. એટલે કે અહીં તૈનાત રહેનારા ટ્રાફિક જવાનોને આદેશ આપવામાં આવ્યો છે કે, જ્યારે કોઈ મોટી ઘટના બને તો માંડવાળી કરવાના બદલે બીટ કાર કે સંબંધિત ટ્રાફિક પોલીસ સ્ટેશનોને બનાવ અંગે જાણ કરીને નિયમોનો ભંગ કરનારાને પોલીસ સ્ટેશન લઈ જઈને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આમ કરવાથી અન્ય વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને ભ્રષ્ટાચાર પણ અટકાવી શકાશે.