Site icon Revoi.in

ભાવનગરની મ્યુનિ શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્પોર્ટસના સાધનો ધૂળ ખાય છે

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રનો વિકાસ થાય અને રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે ઋચિ જાગે તે માટે શાળાઓને લાખો રૂપિયા ખર્ચીને રમત-ગમતના સાધનો આપવામાં આવે છે. પણ ઘણીબધી સરકારી શાળાઓને રમત-ગમત ક્ષેત્રે રસ જ ન હોય તેમ રમત-ગમતના સાધનો ધૂળ ખાતા હોય છે. ભાવનગર શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી 14 લાખના રમતગમતના સીલબંધ સાધનો ધુળ ખાય છે. સાધનો ખરીદીમાં ગેરરીતિ બહાર આવતા કમિશનરે વર્ક ઓર્ડર પણ રદ કર્યો છે. છતાં એજન્સી દ્વારા પણ સાધનો શાળામાંથી લઈ જવાતા નથી અને નજર સામે હોવા છતાં બાળકો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી કે પછી મ્યનિ.કોર્પોરેશન દ્વારા પણ આ વિવાદનો નિવેડો લાવતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિધાનસભા વિસ્તારની 28 શાળાઓમાં રમતગમતના સાધનો માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા રૂ.14 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. અને તેમાંથી દરેક શાળામાં પચાસ પચાસ હજારના સાધનો ખરીદવા માટે જુદી જુદી પાર્ટીઓ પાસેથી ત્રણ ભાવ લઈ ગત માર્ચ 2018માં સાધનોની ખરીદી પણ કરી હતી પરંતુ વર્ક ઓર્ડરમાં ગેરરીતિના આક્ષેપ થયા હતા જેને કારણે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા વિજિલન્સ તપાસના આદેશ પણ અપાયા હતા. તપાસના અંતે ખોટી પદ્ધતિથી વર્ક ઓર્ડર આપ્યાનું બહાર આવતા મ્યુનિ. કમિશનર દ્વારા જુલાઈ 2018 માં વર્ક ઓર્ડર રદ કરી ઈ ટેન્ડરથી ખરીદી કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. કમિશનર દ્વારા વર્ક ઓર્ડર રદ કરવા છતાં અને ધારાસભ્ય દ્વારા ફાળવાયેલી રમતગમતના સાધનોની ગ્રાન્ટ પણ પરત જવા છતાં આજની તારીખે પણ 14 લાખના રમત-ગમતના સાધનો શાળામાં પડ્યા છે. શાસનાધિકારી દ્વારા પણ એજન્સીને સાધનો પરત લઈ જવા તાકીદ કરવા છતાં સાધનો પરત નહીં લઈ જતા 28 શાળાઓમાં સીલ બંધ સાધનો આમને આમ જ પડ્યા છે. શાળાના ઓરડાઓમાં બંધ રાખેલા રમત-ગમતના સાધનોનો બાળકો ઉપયોગ પણ કરી શકતા નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં પચાસ પચાસ હજારના રમત-ગમતના સાધનો પડ્યા છે. શાળાઓમાં ચોકીદારની કોઈ વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિમાં શાળામાંથી સાધનોની ચોરી થઈ જવાની શિક્ષકોને ચિંતા સતાવે છે.