- પાણી માટે લોકો પરેશાન
- ભાવનગરના ફૂલસરમાં ભરશિયાળે પાણી માટે પોંકાર
- તંત્ર કામ નથી કરતું તેવો લોકોને આક્ષેપ
ભાવનગર: શહેરના ફૂલસર વિસ્તારમાં સામાન્ય રીતે બારેમાસ પીવાના પાણીનો વિકટ અને યક્ષ પ્રશ્ન લોકોની કાયમી સમસ્યા પૈકી એક છે, પરંતુ હાલમાં શિયાળો ચાલી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા ફૂલસરના અનેક વિસ્તારોમાં પૂરતાં પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં ન આવતાં સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે.
આ બાબતે સ્થાનિકોનું કહેવું છે કે, અનિયમિત અપૂરતું પાણી જેવી વ્યાપક ફરિયાદો છે છતાં તંત્ર “સબ સલામત”નો દાવો કરી રહી છે. તંત્ર દ્વારા ખૂબ ઓછા પ્રેશરથી અને અનિયમિત ધોરણે પાણી વિતરણ કરતું હોવાની ફરિયાદ વ્યાપક બની છે આ વિસ્તાર મેયર કિર્તિબેન દાણીધારીયાનો મત વિસ્તાર હોવા છતાં ખુદ મેયર પણ લોકોની સમસ્યાઓ ધ્યાને ન લેતા હોવાનું લોકો જણાવે છે.
આ સમસ્યા વર્ષો જૂની હોવા છતાં જવાબદારતંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી, આગામી દિવસોમાં રોડ પાણી અને ડ્રેનેજ જેવી સમસ્યા વહેલી તકે ઉકેલાય તેવી માંગ કરાઇ છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ફરજ પડશે એવી ચિમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારણ કરી છે.