દિલ્હીઃ નોઈડામાં રહેતી એક મહિલાએ પોલીસને પોતાનો પોપટ ખોવાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પાંચ મહિના બાદ પણ પોલીસ તેને શોધી શકી નથી. હવે મહિલાએ ફરીથી ફરિયાદ કરી છે. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, તે પોપટને શોધી રહી છે. પીડિત મહિલા અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડાના સેક્ટર 39માં રહેતા મહિલાએ 112 ઉપર ફોન કરીને પોતાનો પોપટ ખોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે સેક્ટર-39 પોલીસને જાણ કરી હતી. મહિલાએ પોતાના પડોશી ઉપર શંકા વ્યક્ત કરી હતી. પોલીસને કહેવું છે કે, પડોશીની પૂછપરછમાં ખબર પડી કે પોપટ ઉડીને તેમની છત ઉપર આવ્યો હતો અને ત્યાંથી ઉડી ગયો હતો.
મહિલાનું કહેવું છે કે, પાંચ મહિના બાદ પણ ગુમ થયેલા પોપટની કોઈ ભાળ મળી નથી. મહિલાએ ફરીથી પોલીસને ફરિયાદ કરી છે. તેમજ મહિલા અને પોલીસ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસ સ્ટેશનના અધિકારીને મહિલાએ કહ્યું હતું કે, તેમણે જે પોલીસ કર્મચારીનો નંબર આપ્યો હતો તેઓ બનાવ પોતાના પોલીસ સ્ટેશનની હદનો નહીં હોવાનું કહી રહ્યાં છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, મામલો સદરપુર ચોકીનો છે તમારા કહ્યાં પ્રમાણે સલારપુર લાગે છે એટલે સાલારપુર ચોરીના અધિકારીનો નંબર આપ્યો હતો. સેક્ટર 39ના પોલીસ અધિકારી રાજીવ બાલયાનએ જણાવ્યું કે, તપાસમાં માલુમ પડ્યું છે કે પોપટ ઉડી ગયો છે. તેમજ મહિલાને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.