આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતીય ઈકોનોમીનો વિકાસ દર સાત ટકાની નીચે રહેવાની સંભાવના છે. જાપાની બ્રોકરેઝ એજન્સી નોમુરાના અહેવાલ મુજબ, ખનીજતેલની ઘટતી કિંમતો અને વિસ્તારવાદી બજેટ છતાં 2019-20માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના ઘણી વધારે છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદી, મુશ્કેલ નાણાંકીય સ્થિતિ અને ચૂંટણીના વર્ષની રાજકીય અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસદરના માર્ગમાં સૌથી મોટા પડકારો હશે.
નોમુરાએ કહ્યું છેકે આ પડકારોને કારણે ખપત અને રોકાણમાં ઘટાડો થશે. જેના કારણે વિકાસદરને આંચકો લાગશે. તેન સાથે જ ચૂંટણીને કારણે નવા રોકાણની સંભાવનાઓ બેહદ નબળી થઈ ગઈ છે.
બ્રોકરેઝ એજન્સીએ નાણાંકીય વર્ષ 2020 માટે 6.8 ટકા અને નાણાંકીય વર્ષ 2019 માટે સાત ટકા વિકાસદરનું અનુમાન રજૂ કર્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ 2020 માટે 7.4 ટકા જીડીપી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં જીડીપી વિકાસદરના આંકડા સામે આવ્યા બાદ સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપી વિકારદરનું અનુમાન ઘટાડીને સાત ટકા કરી દીધું છે. આના પહેલા આ અનુમાન 7.2 ટકા હતું. ભારતે આ અનુમાન એવા સમયે ઘટાડયું છે કે જ્યારે સતત બીજા ત્રિમાસિક સમયગાળામાં જીડીપીમાં ઘટાડો નોંધાયો છે.