અમદાવાદઃ ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી અદાલતોના આદેશોને કેટલાક અધિકારીઓ દ્વારા અવગણતા કરાતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરનારા અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના હુકમનું પાલન ન કરનાર અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની તૈયારી પણ ખંડપીઠે દર્શાવી છે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ કોર્ટના હુકમ તિરસ્કારની અરજી એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન કેટલાક કિસ્સાઓમાં વિભાગની બેદરકારી સામે આવતી હોય છે. જેને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટના હુકમનો તિરસ્કાર થવા મામલે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટકોર કરી કે, હવે કન્ટેમ્પ્ટની અરજીમાં રાજ્ય સરકારને નોટિસની સાથે સંબંધિત અધિકારીને પણ હાજર રાખવા માટે હુકમ કરાશે અને બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરશે. ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે, જ્યાં સંબંધિત વિભાગને કોર્ટનો ઓર્ડર ન મળવાનું કારણ હાથ ધરીને હુકમનું પાલન ન થતું હોવાની દલીલો કરવામાં આવી હતી. જોકે, હવે કોર્ટના ઓર્ડર સંબંધિત વિભાગ સુધી સરળતાથી પહોંચી શકે છે, તેવી વ્યવસ્થા થઈ છે, જે અંગે એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટ ઓફ ક્ન્ટેમ્પ્ટ યાને કોર્ટના આદેશને ન માનનારા સરકારી અધિકારીઓ સામે હવે બીન જામીન પાત્ર વોરંન્ટ ઈસ્યું કરાશે. ઘણીવાર નાના ટાઉનના અધિકારીઓ હાઈકોર્ટના આદેશનું મહત્વ સમજતા ન હોવાથી પોતાની મનમાની કરતા હોય છે.