Site icon Revoi.in

ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલઃ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન

Social Share

જૂનાગઢઃ  ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ કમોસમી વરસાદ પડતા કેસર કેરીના પાકને નુકશાન થયુ હતું. પવન સાથે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરી ગયા હતા. અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. તલાલા ગીર વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો

ગીર પંથકમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ હતું. અને હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો  અને બપોર બાદ ફરી એકવાર ચૈત્રમાં અષાઢી માહોલ જામતા કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.આજે બપોરે ચારેક વાગ્યા આસપાસ જૂનાગઢના વંથલી, સાસણ ગીર અને ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્રણેય પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય જઈ ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયેલ હતો. અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસી જતા ભર ઉનાળે રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદને લીધે આંબા પર રહેલી કેરીઓ ખરી પડી હતી. આ વરસાદના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી કેરી પકવતા ખેડૂતો ચિતામાં મુકાઈ ગયા હતા.