અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો બુધવારે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદમાં પણ મોડી રાતથી કમોસમી વરસાદ શરૂ થયો હતો.છેલ્લા 24 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 9 તાલુકાઓમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લી, સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છમાં 3 મિ.મિ સુધીનો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. વરસાદનું ઝાપટુ પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ગત મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. માવઠાને કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. વહેલી સવારે રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. માવઠાને કારણે ખેડુતો પણ ચિંતિત બન્યા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયું બનતા હવે કોરોનાની સાથે વાયરલ બીમારીના કેસ પણ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.