ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ ખેતરમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે. દરમિયાન આવતીકાલથી ઠંડીમાં ફરીમાં વધારો થવાની શકયતા છે.
ખેડૂતોને ચિંતા છે કે, જો વધારે સમય વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ થાય તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠું પડે તો ઘઉં, રાયડો, એરંડા, જીરૂના પાકને ફટકો પહોંચે તેવી શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતી કાલથી ફરીથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડતી હતી. જો કે, બે દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. જો કે, ફરી એકવાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલથી તાપમાનનો પારો ગગડવાની આગાહી છે. રાજ્યમાં તાપમાન 4-5 ડિગ્રી ઘટશે..મોટા ભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે. જોકે પતંગ રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ મોજથી પતંગ ચગાવી શકશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ તેજ રહેશે. 14 જાન્યુઆરીએ 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બપોરના સમયે તડકો પણ વધુ નહીં લાગે જેથી પતંગ રસિકો મોજથી આખો દિવસ પતંગ ચગાવી શકશે.