Site icon Revoi.in

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

Social Share

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ઉત્તર ગુજરાતમાં પ્રચલિત અને એમાંય મહેસાણા જિલ્લામાં આરોગ્યવર્ધક વાનગી એવી રગડ ખૂબ પ્રચલિત છે. આ રગડ એટલે કે એક પ્રકારની જાડી દાળ. જેમાં ગરમ મસાલા અને કઠોળ-દાળ, શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે. આ વાનગીની ઠંડી શરૂ થતાં જ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં માંગ વધે છે. હાલમાં શહેરમાં આવેલી હોટલોમાં પણ આ વાનગી ઉપર લોકો પોતાની પસંદગી વધુ ઢોળી રહ્યા છે. રગડની સાથે બાજરીનો ઘી વાળો રોટલો, તથા ગોળ ઘી કાજુ બદામ દ્રાક્ષ વાળું ગરમ ગરમ ચૂરમું તથા લસણની ચટણી, સલાડમાં ડુંગળી, ટામેટા, તળેલા મરચાં અને છાશ તો ખરી જ. શિયાળામાં અહીંના લોકો માટે આ એક મોટી પાર્ટી બની જાય છે.