ઉત્તર ભારતઃ અગ્નિપથ યોજનાના વિરોધમાં બંધના એલાનના પગલે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો, દિલ્હીમાં કોંગ્રેસના દેખાવો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે, બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં દેખાવોકારો આગચંપી સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. RPF અને GRPને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે, સાથે જ તોફાનીઓ પર ગંભીર કલમો હેઠળ કેસ નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ યોજનાના વિરોધમાં આજે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત બંધને પગલે બિહાર, યુપી, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોમાં તમામ શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઝારખંડમાં બંધને પગલે તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. તેમજ બિહાર અને યુપીમાં પણ ભારત બંધ દરમિયાન તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. અગ્નિપથ સ્કીમ પર જાહેર વિરોધપ્રદર્શન દરમિયાન પૂર્વી રેલવેએ કોલકાતા અને બંગાળનાં અન્ય ક્ષેત્રોને જોડનારી દરેક ટ્રેનને રદ કરવાનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રના બાંદ્રા અને ગુજરાતના અમદાવાદથી બિહાર આવનારી તમામ ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી હતો, જ્યારે કેટલીક ટ્રેનોનો રૂટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે. બિહારમાં મોટાભાગના જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. બિહાર સહિતના રાજ્યોમાં સુરક્ષા જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસના નેતા-કાર્યકરોએ અગ્નિપથ યોજનાના વિરોધમાં દેખાવો યોજ્યાં હતા. દેખાવકારો શિવાજી બ્રિજ સ્ટેશન પાસે ટ્રેન રોકની સુત્રોચ્ચાર કર્યાં હતા.