અમદાવાદઃ ગુજરાતમાં ઉદ્યોગ-ધંધામાં મોટાભાગના શ્રમિકો પરપ્રાંતના છે. હોળી કે દિવાળીના તહેવારોમાં શ્રમિકો પોતાના માદરે વતન જતા હોય છે. ખાસ કરીને રાજસ્થાન સહિતના રાજ્યોમાં હોળીના પર્વનું ખાસ મહાત્મય હોવાથી શ્રમિકો હોળીના પર્વ પહેલા જ વતન જવા માટે તૈયારીઓ કરવા લાગે છે. હોળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વતન જવા માટે પરપ્રાંતના શ્રમિકો ટ્રેનોમાં રિઝર્વેશન કરાવી રહ્યા છે. ઘણા શ્રમિકો હોળી પહેલા જ માદરે વતન જવા લાગ્યા છે. તેના લીધે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. રેલવે દ્વારા પણ પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, વાપી, વલસાડ અને સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનો હોળીના પર્વ પહેલા જ હાઉસફુલ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાંથી દિલ્હી સહિત ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 200થી ઉપર પહોંચી જતાં વધારાના કોચ જોડવા વિચારણા કરવામાં આવી રહી છે.માર્ચના ત્રીજા સપ્તાહમાં હોળી-ધુળેટીના પર્વની સાથે માર્ચના અંતમાં તેમજ એપ્રિલમાં મોટી સંખ્યામાં લગ્નો છે. એટલે ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો વતન જવા ઉતાવળા બન્યા છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રહેતા શ્રમિક વર્ગ સહિત અન્ય લોકો પર્વની સાથે લગ્ન પ્રસંગમાં વતન જવા એડવાન્સ બુકિંગ કરાવતા અમદાવાદથી દિલ્હી સહિત વારાણસી, લખનઉ, ગોરખપુર, પટના, મુઝફ્ફરપુર સહિત અન્ય શહેરોમાં જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ વેઇટિંગ સ્લીપર કોચમાં છે. એજ રીતે અમદાવાદથી ઓરિસ્સા તેમજ પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનોમાં પણ સીટિંગ કોચ-સ્લીપર કોચ લગભગ હાઉસફુલ થઈ ગયા છે. આ વિશે રેલવે અધિકારીએ જણાવ્યું કે, હાલ ટ્રેનોમાં મુખ્યત્વે સીટિંગ કોચ તેમજ સ્લીપર કોચમાં વધુ બુકિંગ જોવા મળી રહ્યું છે. (file photo)