ઉત્તર કોરિયાએ પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને લઇને અમેરિકાને એકવાર ફરી ધમકી આપી છે. સરકારે કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ)ના હવાલાથી બુધવારે જણાવ્યું કે વોશિંગ્ટન વાતચીત માટે ટુંક સમયમાં યોગ્ય કૂટનૈતિક પ્રક્રિયા અપનાવે, નહીંતો તેનું ધૈર્ય ખતમ થવાની કગાર પર છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાએ પોતાના આકલનની પદ્ધતિ બદલવી જોઈએ, જેથી અમે ગયા વર્ષે જૂનમાં થયેલી પહેલી મુલાકાતના કરારને જાળવી રાખી શકીએ. અમેરિકાને છેલ્લા એક વર્ષમાં અમારા સંબંધોમાં આવેલા ફેરફારને જોવો જોઈએ અને બને તેટલી ઝડપથી પોતાની નીતિઓ અંગે નિર્ણય લેવો જોઈએ, નહીંતો ઘણી વાર થઈ જશે કારણકે ધૈર્યની પણ એક મર્યાદા હોય છે.”
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સરમુખત્યાર કિમ જોંગ-ઉનની પહેલી મુલાકાત સિંગાપુરના સેન્ટોસા ટાપુ પર આવેલી કાપેલા હોટલમાં થઈ હતી. નેતાઓની મુલાકાત લગભગ 90 મિનિટ ચાલી હતી. તેમાં 38 મિનિટ્સની ખાનગી વાતચીત પણ સામેલ હતી. તેમાં ટ્રમ્પે કિમને પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણ માટે રાજી કરી લીધા હતા. આ માટે બંને નેતાઓએ એક કરાર પર સહી કરી હતી. ત્યારબાદથી જ ઉત્તર કોરિયાએ કોઈ પરમાણુ પરીક્ષણ ન કર્યું, જ્યારે આ પહેલા કિમ હાઇડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યા હતા.