લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલે એબીસીડીની આખી પરિભાષા જ બદલી નાખી છે. અહીં એ ફોર એપ્પલ નહીં પરંતુ એ ફોર અર્જુન ભણાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બી ફોર બોલ કે બેટ નહીં પરંતુ બી ફોર બલરામ ભણાવવામાં આવે છે. આ નવા પુસ્તકોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, જ્યારે પુસ્તકમાં A થી અર્જુન લખવામાં આવ્યું છે, તો તેનો અર્થ પણ આગળની એક લાઇનમાં સમજાવવામાં આવ્યો છે. એ ફોર અર્જુન – અર્જુન એક મહાન યોદ્ધા છે. એ જ રીતે B થી બલરામ – બલરામ કૃષ્ણના ભાઈ સમજાવવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થીઓને એ,બી,સી,ડી ના માધ્યમથી ભારતીય ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની આ સ્કૂલમાં ન માત્ર એબીસીડી નવી રીતે ભણાવવામાં આવી રહી છે, તેની બુક્સ પણ પ્રિન્ટ કરવામાં આવી છે. આ પુસ્તકોમાં અર્જુન માટે A, બલરામ માટે B અને ચાણક્ય માટે C લખેલ છે. આ પુસ્તકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ શાળાનું નામ અમીનાબાદ ઇન્ટર કોલેજ, લખનૌ છે. અહીં બાળકો હવે અંગ્રેજી મૂળાક્ષરો શિખવવામાં આવી રહ્યાં છે, પરંતુ તેના અર્થ ભારતીય પૌરાણિક ઇતિહાસમાંથી કાઢવામાં આવ્યા છે. શાળાનું માનવું છે કે આની મદદથી વિદ્યાર્થીઓ ભારતીય ઈતિહાસથી પરિચિત થઈ શકશે.
શાળાના આચાર્ય સાહબ લાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આવા શબ્દભંડોળથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવી શકશે. આ પ્રકારના અંગ્રેજી મૂળાક્ષરોની ફાઈલો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. આ ફાઈલોમાં શબ્દો સાથે સંબંધિત ચિત્રો પણ આપવામાં આવ્યા છે, જે બાળકોને સમજવામાં સરળતા રહેશે. ઉદાહરણ તરીકે A અર્જુન છે અને પછી અર્જુનને એક લીટીમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂલ 125 વર્ષ જૂની છે. અહીં હવે બાળકોને નવી એબીસીડી શીખવવામાં આવી રહી છે, જેના દ્વારા તેઓ ભારતીય ઐતિહાસિક અને પૌરાણિક મહાપુરુષો વિશે માહિતી મેળવશે.